અખિલેશે ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યું-'પોતાને સેના સમજવાનું બંધ કરે મોદી સરકાર'
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સામ પિત્રોડાનો બચાવ કરતા ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સપા અધ્યક્ષે કહ્યું કે સવાલ ઉઠાવવો એ અમારો લોકતાંત્રિક અધિકાર છે. તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકાર પોતાને ભારતીય સેના સમજવાનું બંધ કરે.
Trending Photos
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સામ પિત્રોડાનો બચાવ કરતા ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સપા અધ્યક્ષે કહ્યું કે સવાલ ઉઠાવવો એ અમારો લોકતાંત્રિક અધિકાર છે. તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકાર પોતાને ભારતીય સેના સમજવાનું બંધ કરે. સપા અધ્યક્ષ અહીં જ ન અટક્યા, આગળ તેમણે કહ્યું કે જે નેતા કહે કે તેમને સવાલ ન પૂછવામાં આવે, તે ખતરનાક હોય છે.
અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના નેતા અને ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયાની પણ એર સ્ટ્રાઈકને લઈને બીજી જ રજૂઆત છે. ભારતના લોકોને ભારતીય વાયુસેના તરફથી કરાયેલી આ કાર્યવાહીના તથ્ય જાણવાનો અધિકાર છે.
સામ પિત્રોડાએ કહ્યું કે હું આ અંગે હજુ વધુ જાણવા માંગુ છું. કારણ કે મેં ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના અન્ય અખબારોમાં કેટલાક રિપોર્ટ્સ વાંચ્યા છે. શું આપણે સાચે જ હુમલો કર્યો? શું આપણે સાચે જ 300 આતંકીઓને માર્યા? એ હું જાણતો નથી. કોંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું કે એક નાગરિક હોવાના નાતે મને એ જાણવાનો હક છે અને જો હું તેના અંગે પૂછી રહ્યો છું તો તેનો અર્થ એ નથી કે હું રાષ્ટ્રવાદી નથી. તેનો અર્થ એ નથી કે હું આ તરફ છું કે પેલી તરફ.
સામ પિત્રોડા લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીમાં પણ સામેલ છે. તેમણે પાકિસ્તાન સાથે સંવાદની માગણી કરી છે. તેમનું કહેવું છે કે હું ગાંધીવાદી છું. હું અધિક ક્ષમા આપવામાં અને સન્માનમાં વિશ્વાસ ધરાવું છું. હું અંગત રીતે વધુ સંવાદમાં વિશ્વાસ રાખું છું. મારું માનવું છે કે આપણે બધાની સાથે સંવાદ કરવો જોઈએ. ફક્ત પાકિસ્તાન જ કેમ? આપણે સમગ્ર દુનિયા સાથે સંવાદ કરી રહ્યાં છીએ.
કોંગ્રેસના નેતા પિત્રોડાએ એર સ્ટ્રાઈક પર ઉઠાવ્યાં સવાલ, PM મોદીએ આપ્યો વળતો જવાબ
પિત્રોડાના આ નિવેદન બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને વળતો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું કે વિપક્ષ હંમેશા નિરંતર આપણી સેનાઓનું અપમાન કરે છે. ભારત હંમેશા પોતાની સેનાઓની સાથે છે. પીએમએ લખ્યું કે હું ભારતીયોને અપીલ કરવા માંગીશ કે વિપક્ષના નેતાઓને તેમના નિવેદનો પર સવાલ કરો. તેમને એ જણાવો કે 130 કરોડ ભારતીયો વિપક્ષને તેમની આવી હરકતો બદલ ન તો માફ કરશે અને ન તો ભૂલશે.
જેટલીએ પિત્રોડાને આડે હાથ લીધા, કહ્યું-'જેમને ભારતની સમજ નથી તે સુરક્ષા નીતિની વાત કરે છે'
ભાજપના નેતા અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે કોંગ્રેસના નેતા સામ પિત્રોડા પર તેમના નિવેદનને લઈને નિશાન સાધ્યું. પાકિસ્તાનમાં જૈશના કેમ્પ પર વાયુસેનાની એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવવા બદલ પિત્રોડાને આડે હાથ લેતા અરુણ જેટલીએ કહ્યું કે જેમને ભારતની સમજ નથી તેઓ દેશની સુરક્ષા અને નીતિની વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે જો ગુરુ આવો હોય તો શિષ્ય કેવો નક્કામો નીકળશે, દેશે આજે આ ભોગવવું પડી રહ્યું છે.
જેટલીએ આગળ કહ્યું કે નવું ભારત ઘરમાં ઘૂસીને આતંકીઓને મારે છે. બેકફૂટ પર રમીને આતંક સામે જીતી શકાય નહીં. આતંકીઓને નુકસાન થવાથી કોંગ્રેસને તકલીફ થઈ છે. તેમણે કહ્યું કે ભારત 26/11 અગાઉથી આતંક સામે લડી રહ્યું હતું અને હંમેશા એવું જ થતું હતું કે તેઓ આવતા અને મારીને જતા રહેતા હતાં. પરંતુ પીએમ મોદીજીએ મોટું કામ કર્યું છે. હવે જ્યાંથી આતંકની શરૂઆત થાય છે, તેનો અંત કરવા અમે ત્યાં જ જઈશું અને દુનિયામાં તેના વખાણ પણ થયા છે. અમે ફક્ત ટેરિરિઝમ પર ફોકસ કર્યું અને સફળ થઈને પાછા આવ્યાં.
લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે